છોટાઉદેપુરની ધરતી પર અનેક પ્રતિભાએ મહેનત અને કૌશલ્યથી નવી ઓળખ ઉભી કરી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની છે. શિફા હુસેનશબ્બીર મફ્તની. જેણે શિક્ષણ, સંઘર્ષ અને સતત મહેનતના બળે પાઇલટ બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે.

શિફાએ પોતાના શાળાકીય શિક્ષણની શરૂઆત છોટાઉદેપુરથી કરી હતી. ત્યારબાદ તે ઉચ્ચ શિક્ષણ માટે UAE ગઈ હતા. જ્યાં તેણે હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ સાથે 10+2નું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સપનું ધરાવતી શિફાએ પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. અને આગળના અભ્યાસ તથા પાઇલટ તાલીમ માટે ગ્રીસનો રસ્તો પસંદ કર્યો હતો. ગ્રીસમાં તેણે ATPL(A) મેળવવા માટે જરૂરી તાલીમ લીધી હતી. ખાસ વાત એ છે કે, પાઇલટનીતાલીમ સાથે તેણે પોતાનો સ્નાતકનો ઓનલાઈન અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો હતો. એકસાથે બે જવાબદારી નિભાવવી સરળ નહોતી. પરંતુ શિફાની મહેનત, શિસ્ત અને અડગ મનોબળે તેને સતત આગળ વધારી હતી.

આજે શિફા 227 કલાકથી વધુનો ફ્લાઇટ અનુભવ મેળવી ચૂકી છે. અને 5થી વધુ પ્રકારના એરક્રાફ્ટ પર અનુભવ પ્રાપ્ત કરી ચૂકી છે. તેણીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફ્ળતા નથી. પરંતુ છોટાઉદેપુરના યુવાનો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. છોટાઉદેપુરથી શરૂ થયેલી સફર UAE સુધી પહોંચી,UAEથી ગ્રીસ સુધી અને અંતે આકાશમાં પોતાની ઓળખ બનાવી દીધી છે. શિફાની કહાની એ સાબિત કરે છે કે, સપના જોવાની સાથે તેને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય તો કોઈપણ અંતર કે પરિસ્થિતિ સફ્ળતાના માર્ગમાં કાયમી અવરોધ બની શકતી નથી. સપના મોટા હોય તો અંતર ક્યારેય અવરોધ બનતો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો