નસવાડી તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં 27 જુલાઈથી પ્રારંભ થનારા ગૌરી વ્રતને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. હિંદુ સમાજના આ પવિત્ર વ્રતને આવકારવા ગામેગામ મંદિરો અને ઘરોમાં ધાર્મિક તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરોની સાફ્-સફાઈ, ગૌરી માતાની સ્થાપના, પૂજા-અર્ચના, આરતી, ભજન-કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કુંવારી કન્યાઓથી લઈને પરિણીત મહિલાઓ સુધી ગૌરી વ્રતને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિંદુ ધર્મમાં ગૌરી વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા અને વ્રત કર્યા હતા. તેમનીઅખંડ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા હતા. આ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ગૌરી વ્રતનું પાલન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વ્રત શ્રદ્ધા, નિયમ અને ભક્તિપૂર્વક કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો અને ગુણવાન જીવનસાથી મળે છે, જ્યારે પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય, પતિનું દીર્ઘાયુષ્ય, સંતાનસુખ તેમજ પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
