સંખેડા બહાદરપુર ઓરસંગ નદી ઉપરનો ડાયવર્ઝન ચાર મહિનાના સમય બાદ ફરી શરૂ કરાતા ભારદારી વાહનો ટૂંકા અંતરથી અવર જવર કરતા થયા છે. પરંતુ તંત્રએ બુદ્ધિનું દેવાળુ ફૂંકતા કપચી પાથરી સપાટીવાળો માર્ગ ન બનાવતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. આ માર્ગને વહેલી તકે ડામર સપાટીથી તૈયાર કરવો જરૂરી છે. ઓરસંગ પુલની કામગીરીને લઈ સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીમાં એક કરોડથી પણ વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન આજથી ચાર મહિના પહેલા ચોમાસાના વરસાદી પાણીના પ્રથમ પૂરમાં ધોવાઈ ગયો હતો. જેના ઉપરથી દરેક પ્રકારના વાહનોની અવર જવર સદંતર બંધ કરી ફ્ક્ત એસટી બસ સહિત ચાર પૈડાના વાહનોની પુલ ઉપરથી અવર જવર શરૂ કરાઇ હતી. રેતી, કપચી, સિમેન્ટ, ટાઇલ્સ, સ્ટીલ, પેટ્રોલ-ડીઝલના ટેન્કર, અનાજ સહિત અન્ય મટીરીયલ જેવા ભારદારી વાહનોને બંધ કરી દેવાયા હતા. આવા ભારદારી વાહન ચાલકોને ફરજિયાત ડભોઈથી કરણેટ હાંડોદ થઈ સંખેડા આવવાની ફરજ પડી હતી. જેને લઇ વેપારીઓને વધુ ભાડું ચૂકવવું પડતું હતું. જેનો ભાર ગરીબ મધ્યમવર્ગના નાગરિકો ઉપર પડતા આર્થિક મંદીમાં વધુ માર સહન કરવો પડયો હતો. જો કે, હાલ ડાયવર્ઝન ફરી શરૂ કરી માત્ર કપચી પાથરી વેઠ ઉતારાતા ભારદારી વાહન ચાલકોને લોઢાના ચણા ચાવવા બરાબર નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો