છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. ઘઉંના લોટના કોથળાની આડમાં આઇસર ગાડીમાં ગેરકાયદે લઇ જવાતો રૂા. 10.52 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિત બે આરોપી માધુસિંહ ભુવાનસિંહ અવાસીયા (રહે. હરસવાંટ પટેલ ફ્ળીયા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને સચીન વેસ્તા બઘેલ (રહે. ગિરાલા ગોહન ખોત્રા ફ્ળીયા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) તેમજ આઇસર ગાડી મળીને કુલ રૂા.20,30,110નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

છોટાઉદેપુર પોલીસ અધીક્ષક ઇમ્તીયાઝ શેખના અને માર્ગદર્શનમાં દારૂબંધીનો કડક અમલ કરવા ઝુંબેશ ચલાવાય છે. જેના ભાગરૂપે LCBપોલીસ ઇન્સપેક્ટર એમ એફ્ ડામોરની આગેવાનીમાં LCB ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે મળેલ બાતમીને આધારે રંગપુર નાકા પર નાકાબંધી કરી હતી. સુરખેડા તરફ્થી આવતી એક કેસરી કલરની આઇસર ગાડી જેનો રજિસ્ટર.નં.MP-13-ZD-2510ને રોકીને તપાસ કરતા ગાડીમાંથી ઘઉંના લોટના પ્લાસ્ટિકના કોથળાની પાછળ સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો હતો. વિદેશી દારૂની બોટલ 4070 નંગ જેની કિં. રૂા.10,52,410 આઇસર ગાડી કિં. રૂા. 8 લાખ, ઘઉંનો લોટ 3600 કિલો કિં. રૂા.1,56 લાખ મોબાઇલ ફોન 2 નંગ કિં. રૂા. 20 હજાર રોકડા રૂા.1,700 કુલ મુદ્દામાલ કિં. રૂા.20,30,110નો ઝડપી પાડયો છે. ગુનામાં સંડોવાયેલ પકડવાના બાકી આરોપી દિલુ ઉર્ફે દિલીપ હિરલા ચૌગડ (રહે. ગિરાલા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો