નવરાત્રી દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદી સુરક્ષા અને આંતરરાજ્ય પોલીસ સમન્વયને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. ચોથા નોરતે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન બંને રાજ્યોની સરહદો પર શાંતિ, કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તેમજ ગુનાખોરી નિયંત્રણ અને સુચારુ ટ્રાફ્કિ સંચાલન થાય તે હેતુથી છોટાઉદેપુર SP ઈમ્તિયાઝ શેખે અલીરાજપુર (મધ્યપ્રદેશ)ના પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં બંને જિલ્લાના પોલીસ વડાઓ વચ્ચે સરહદી વિસ્તારોની સુરક્ષા અને પરસ્પર સહયોગ અંગે ચર્ચા થઈ હતી. જે બાદ SPઈમ્તિયાઝ શેખે ક્રાંતિભૂમિ એવા ચંદ્રશેખર આઝાદ નગર (ભાબરા) ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમર શહીદ અને ભારતમાતાના વીર સપૂત મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ સ્થિત તેમની ભવ્ય પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે SPએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનીઆહુતિ આપનાર શહીદ ચંદ્રશેખર આઝાદના બલિદાન અને શૌર્યગાથાને યાદ કરી નમન કર્યા હતા. આ આંતરરાજ્ય શુભેચ્છા મુલાકાતથી બંને રાજ્યોની પોલીસ વચ્ચે પરસ્પર સમન્વય વધુ મજબૂત બનશે. તહેવારો દરમિયાન સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ થશે. પોલીસ વડાની આ મુલાકાત માત્ર કાયદો-વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રીય શહીદો પ્રત્યેના આદરભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
