છોટાઉદેપુરના પ્રવાસે પધારેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના હાફેશ્વર મહાદેવ મંદીરના દર્શન સાથે આજે દ્વિતીય દિવસના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તેઓએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સમગ્ર રાજ્યના નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હર્ષ સંઘવીએ મંદીરના પ્રાંગણમાં ગૌ માતાની પૂજા કરી હતી. આ તકે નાયબ મુખ્યમંત્રીને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા હાફેશ્વર ખાતે ભવિષ્યમાં ટુરિઝમ ડેવલપમેન્ટના વિકાસ હેતુ માળખાકીય સુવિધાના અવકાશ અને આયોજનથી માહિતગાર કરાયા હતા. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હાફેશ્વરના જંગલ ખેતી કરતા ખેડૂત ગુલાબસિંહ શેરકાભીલને મળ્યા હતા. અને સોલર પંપની સહાયથી ખેતીમાં આવેલ સકારાત્મક પરિણામો વિશે જાણકારી મેળવી હતી. ધાર્મિક દર્શન અને ખેડૂતો સાથેના સંવાદ બાદ નાયબ મુખ્યમંત્રીએ હાફેશ્વર ખાતે નર્મદા નદીમાં બોટિંગ કર્યું હતું. કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લઈને વિવિધ અગત્યના ટુરિઝમ કોર્પોરેશન ઓફ્ ગુજરાત લિમિટેડ દ્વારા જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનનો ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટર ફેઝ-1 અને 2 અને રેવા ઇકો ટુરિઝમ સાઇટપ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નર્મદા નદીમાં બોટિંગ મારફ્તે સ્થળની સ્થિતિનો તાગ મેળવી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. જેઓ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ ઉપેન્દ્ર પટેલ, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા.
