નસવાડી તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS), ખાતે શાળાકક્ષાના કલ્ચરલ ફેસ્ટ અને કલા ઉત્સવ-2026નું આયોજન કરાયું હતું. આ કલા ઉત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સમૂહ નૃત્ય, સમૂહગાન, વાદ્ય સંગીત, એકલ નૃત્ય, એકલગાન, નાટિકા (સ્કિટ), વાર્તા કથન સહિતની વિવિધ સ્પર્ધા યોજાઇ હતી. દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલી, કલા કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો. સંગીત અને નૃત્યની પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. જ્યારે નાટિકા અને વાર્તા કથન દ્વારા પોતાની અભિવ્યક્તિ શક્તિ અને કલ્પનાશક્તિનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, વિઝયુઅલ આર્ટ વિભાગ અંતર્ગત 2Dઅને 3Dપેઇન્ટિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગો, આકારો અને કલ્પનાના માધ્યમથી પોતાની ચિત્રકળા અને સર્જનાત્મકતાને કાગળ પર ઉતારી હતી. વિદ્યાર્થીઓની કૃતિમાં તેમની કલ્પનાશક્તિ, નિરીક્ષણશક્તિ અને કલા પ્રત્યેનો લગાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાળાકક્ષાની વિવિધ સ્પર્ધામાં પસંદગી પામેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હવે આગામી સંકુલ કક્ષાની સ્પર્ધામાં EMRSનસવાડીનું પ્રતિનિધિત્વ કરશે.
