ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મહત્વપૂર્ણ ને. હા.નં.56 પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર-ચિસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની હાલત અત્યંત બિસમાર થતાં દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે. 15 દિવસથી બ્રિજ પર જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે કમરતોડ ખાડાઓથી વાહનચાલકો પરેશાન થાય છે.

ને. હા.56 પર આવેલા ચિસાડિયા રેલવે ઓવરબ્રિજ પર સળિયા અને લોખંડની એંગલો સાપની જેમ બહાર નીકળી આવી છે. બ્રિજની પાળીઓ ઉપર પણ મોટી તિરાડો જોવા મળે છે. જે ગમે ત્યારે મોટી હોનારતને નોતરી શકે છે. પરંતુ અધિકારીઓ માત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે જાહેર જગ્યા ઉપર ઊભી થયેલી આ સમસ્યા અંગે કોઈને રસ નથી. બ્રિજ પર મોટા ખાડા પડયાં છે. તૂટેલી એંગલો રસ્તા પર આવવાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ધોરણે બેરિકેડ ગોઠવીને બહાર નીકળી આવેલી જોખમી એંગલોને કોર્ડન કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે,15 દિવસથી આ ખરાબ હાલત હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.