નસવાડી તાલુકાની EMRS કેસરપુરા ખાતે દિવાળી વેકેશન પૂર્વે દીપોત્સવની ભવ્ય અને રંગારંગ ઉજવણી કરાઇ હતી. શાળાના અંતિમ કાર્યદિવસે દીવડાના ઝગમગાટ, રોશની, ફ્ટાકડાની આતશબાજી અને બાળકોના હાસ્યથી સમગ્ર શાળા પરિસર જાણે પ્રકાશના પર્વમાં રંગાયું હતું. શાળાના આંગણને સુંદર રીતે શણગારાયું હતું. રંગબેરંગી રોશની અને દીવાઓની આકર્ષક સજાવટથી શાળામાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાના સાથ-સહકારથી આ ઉજવણીને યાદગાર બનાવી હતી. સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખીને બાળકોએ ફૂલઝડી, કોઠી સહિતના ફ્ટાકડાની રોશની સાથે દિવાળીનો આનંદ માણ્યો હતો. મનોરંજનની સાથે સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક પરંપરાને પણ વિશેષ સ્થાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ માટે વિવિધ મનોરંજક રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ યોજાઇ હતી. જે પ્રસંગે શિક્ષકોએ વિદ્યાર્થીને દિવાળી પર્વના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. અંધકાર પર પ્રકાશના વિજય અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક એવા આ પર્વમાંથી જીવનમાં સારા વિચારો, સદગુણો અને માનવતાનો પ્રકાશ ફેલાવવાની પ્રેરણા લેવા સમજાવ્યું હતું. પ્રેમ, ભાઈચારો, એકતા, પરસ્પર સહકાર અને સદ્ભાવના જેવા જીવન મૂલ્યોને આત્મસાત કરવાનો સંદેશ આપ્યો હતો. પર્યાવરણનું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રદૂષણમુક્ત અને પર્યાવરણને અનુકૂળ રીતે તહેવારો ઉજવવા પ્રેરિત કરાયા હતા. ફ્ટાકડા ફોડતી વખતે સાવચેતી સાથે અન્યની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું તે અંગે પણ સમજ અપાઇ હતી. કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ્ગણને મીઠાઈનું વિતરણ કરાયું હતું.
