19

*ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રાજ્યના વનરક્ષક તથા વનપાલ સંવર્ગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોનું નીતિગત અને માનવીય ધોરણે નિરાકરણ લાવવા માંગ કરાઇ છે. જે અંગે કર્મચારી મંડળ દ્વારા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી કર્મચારીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરાઇ છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. પ્રતિકૂળ વાતાવરણ, જંગલ વિસ્તારમાં ફરજ બજાવવી, વન્યજીવોના સંરક્ષણ સહિતની કામગીરી દરમિયાન કર્મચારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું ન હોવાનો આક્ષેપ કરાયો છે. કર્મચારી મંડળે કર્મચારીઓની સુરક્ષા અને સિક્યોરિટી એલાઉન્સ, બઢતી, પગાર ધોરણમાં સુધારો, ખાલી જગ્યાઓ ભરવા, વધારાની કામગીરીના પ્રશ્નો તથા અન્ય પડતર મુદ્દાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. મંડળ દ્વારા રજૂઆત કરાઇ છે કે, જો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તબક્કાવાર આંદોલન કરાશે. જેમાં સરકારી કાર્યક્રમો તથા ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરવી, પેન ડાઉન કાર્યક્રમ, સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળી ઓનલાઈન કામગીરી અને રેકોર્ડ સિવાયની કામગીરી બંધ કરવી, માસ સીએલ તથા અંતે અનિશ્ચિત મુદતની હડતાળ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વનરક્ષક અને વનપાલ કર્મચારીના પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી કર્મચારીઓને ન્યાય આપવા કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો