નસવાડી તાલુકાના ધોળી કોતરડી ગામે તારીખ 8મીના રોજ અચાનક આગ લાગવાની દુઃખદ ઘટના બનતા ચાર પરિવારોને ભારે નુકસાન થયું હતું. આગની આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અસરગ્રસ્ત પરિવારોની વહારે દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈ નુકસાનગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની વેદના સાંભળી હતી.
આગની દુર્ઘટનાને પગલે ચારે અસરગ્રસ્ત પરિવારોની ઘરવખરી સહિતની મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી કપરી પરિસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પરિવારોને સાંત્વના પાઠવી હિંમત રાખવા જણાવ્યું હતું અને આ મુશ્કેલ સમયમાં તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે આગની ઘટનાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ અસરગ્રસ્ત પરિવારોની જરૂરિયાતો અને મુશ્કેલીઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. સાથે જ પરિવારોને સરકાર તરફ્થી મળવાપાત્ર સહાય અને અન્ય જરૂરી મદદ ઝડપથી મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ પ્રસંગે નસવાડી તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે, દુઃખની ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઊભા રહેવું એ જ સાચી જનસેવા છે. અસરગ્રસ્ત પરિવારોને સરકારી મળવાપાત્ર તમામ સહાય અને મદદ મળી રહે તે માટે જરૂરી પ્રયાસો કરાશે. આમ, 8મી તારીખે ધોળી કોતરડી ગામે આગની દુર્ઘટનામાં નુકસાન વેઠનાર ચાર પરિવારોની મુલાકાત લઈ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. તેનાથી પરિવારોને હિંમત અને માનસિક હૂંફ્ મળી હતી.
