છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક અત્યંત લોહિયાળ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગઢ બોરીયાદ ગામે તસ્કરોએ લૂંટના ઈરાદે એક 75 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરી છે. માત્ર ચાંદીના કડલા કાઢી લેવા માટે નરાધમોએ વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગઢ બોરીયાદ ગામે રહેતા દશરીબેન ભીમાભાઈ ભીલ (ઉં.વ. 75) ગત રાત્રિના રોજ પોતાના રહેણાંક છાપરામાં સૂતા હતા. મોડી રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તેમના રહેણાંકમાં પ્રવેશ કર્યો હતો. હત્યારાઓએ વૃદ્ધાના માથાના ભાગેજીવલેણ હથિયાર વડે ઘા ઝીંકી તેમને અસહાય બનાવી દીધા હતા. ત્યારબાદ, લૂંટારુઓએ અમાનુષી અત્યાચારની હદ વટાવતા, વૃદ્ધાએ પહેરેલા આશરે 1 કિલોગ્રામ વજનના ચાંદીના કડલા (કિંમત આશરે રૂા.2,50,000) કાઢવા માટે તીક્ષ્ણ હથિયારથી વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્ર્રાવને કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ચકચારી બનાવ અંગે મૃતક વૃદ્ધાના પુત્ર અતુલભાઈ ભીમાભાઈ ભીલે નસવાડી પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ બનાવથી સ્થાનિક રહીશોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે. ગ્રામજનો આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.










