ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી તેમજ જનજાતિય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત ડૉ. આંબેડકર ભવન, છોટાઉદેપુર ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી અને આદિવાસી સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને માળખાકીય સુવિધા ક્ષેત્રે અનેકવિધ લોક કલ્યાણકારી યોજના અમલમાં મૂકાઇ છે. જેનાથી સમગ્ર આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. ઉપસ્થિત વક્તા ડૉ.પ્રેમપ્યારી તડવીએ જનજાતિય ગૌરવ દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડયો હતો. ઉપરાંત, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સમાજના ઉત્થાન માટે હાથ ધરેલા વિકાસકાર્યો અને સ્થાનિક સ્તરે થયેલા કાર્યોની વિગતવાર જાણકારી આપી હતી. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ઈ.પ્રાયોજના વહીવટદાર કે.ડી. ભગત, નગરપાલિકા પ્રમુખ ડૉ. રજનીબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા, નયનાબેન રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા સહિત જિલ્લાના પ્રબુદ્ધ આદિવાસી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો