છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી વધુ મજબૂત અને ઝડપી બનાવવાના હેતુથી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ટેલિકોમ કમિટીની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક સુવિધાનો વિસ્તાર કરવા તથા પ્રજાજનોને પડતી મુશ્કેલીનો સત્વરે નિકાલ લાવવા અંગે વિસ્તૃત અને સઘન ચર્ચા-વિચારણા કરાઇ હતી.
બેઠકમાં રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વિશેષ ઉપસ્થિતિ રહી ગ્રામીણ પ્રજાજનો પાસેથી મળેલી નેટવર્ક સંબંધિત વિવિધ રજૂઆતો ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. જેને ધ્યાને લઈને નેટવર્ક કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારોમાં નવા મોબાઈલ ટાવર્સ વહેલી તકે સ્થાપિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો જિલ્લા કલેકટર ગાર્ગી જૈન આપ્યા હતા. બેઠકમાં મિનિસ્ટ્રી ઓફ્ ટેલિકોમ્યુનિકેશન્સ (LSA, અમદાવાદ)ના એડિશનલ ડાઇરેક્ટર જનરલ આશિષ ઠક્કર તથા ડિરેક્ટર (રૂરલ) કુંજ બિહારી શર્મા DDO સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર ઓમકાર શિંદે અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
