છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે રેલવે ગરનાળાના RCC માર્ગ પરથી પસાર થવું હવે વાહનચાલકો માટે જોખમી બની ગયું છે. તેજગઢથી ઝોઝ, અછાલા અને ભીલપુર તરફ્ જતા મુખ્ય રેલવે ગરનાળાના રસ્તા પર લોખંડના મસ્ત મોટા સળિયા બહાર નીકળી આવ્યા છે. જેને કારણે કોઈ મોટી અકસ્માતની ઘટના સર્જાય તેવો ભય સેવાઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પરથી દરરોજ 4થી 5 ગામના હજારો નાગરિકો અને વાહનચાલકો અવરજવર કરે છે. ગરનાળા પાસે રોડ પર બે થી દોઢ ફૂટ જેટલા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ અને બહાર નીકળેલા સળિયાને કારણે દ્વિચક્રી તેમજ ચારચક્રી વાહનોના ટાયર ફાટી જવા અથવા વાહનચાલકનું સંતુલન બગડવાથી અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. અંધારાના સમયે કે ચોમાસામાં આ રસ્તા પરથી પસાર થવું ખાસ કરીને બાઇકચાલકો માટે જીવના જોખમ સમાન બન્યું છે. સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે ? 4 થી 5 ગામોને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગની દુર્દશા અંગે સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ વહીવટી તંત્ર તેમજ સંબંધિત વિભાગ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોની માંગ છે કે, આ ઉપસી આવેલા સળિયા દૂર કરીને ખાડાઓનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી કોઈનો કિંમતી જીવ જોખમમાં ન મુકાય.
