18

છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવારે અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યાના નાદ સાથે વિસર્જન યાત્રાઓનો પ્રારંભ થયો હતો. વીતેલા દિવસોમાં જે વિઘ્નહર્તાની ભક્તિમાં સમગ્ર જિલ્લો લીન બન્યો હતો. તે દાદાને શ્રદ્ધાળુઓએ અશ્રુભીની આંખે અને ભારે હૈયે વિદાય આપી હતી.

ઢોલ-નગારા, ડીજેના તાલે નાચતા યુવાનો-યુવતીઓ, અબીલ-ગુલાલ છાંટીને, ભવ્ય શોભાયાત્રામાં જોડાયા અને ઓરસંગ નદી/તળાવો કિનારે પૂજા-અર્ચના કરતા યુવાનો બાળકો વૃદ્ધો સૌ કોઈ જોવા મળ્યાં હતા રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-સમૃદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશની વિદાય કોને ગમે પરંતુ આવતા વર્ષે વહેલા આવજોના ભાવ સાથે અનંત ચતુર્દશીના પાવન દિવસે છોટાઉદેપુર જિલ્લામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ થયો હતો.

ગણેશ ચતુર્થીના શુભ પ્રારંભથી જ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં વિવિધ સ્થળે, શેરીઓ, મંડળો અને ઘરોમાં ભગવાન શ્રી ગણેશની મનમોહક અને આકર્ષક પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. 12 દિવસ સુધી દાદાની સેવા, આરતી અને મહાપ્રસાદના આયોજનોથી સમગ્ર પંથક ગણેશમય અને ભક્તિમય બન્યો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના શ્રદ્ધાળુઓ આરતી કરતા હોય અને દાદાના ચરણોમાં શીષ નમાવીને પ્રાર્થના કરતા હોય છે. શુક્રવારે અંતિમ દિવસે વિસર્જન યાત્રા દરમિયાન યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો સહિત સમગ્ર ગ્રામજનો ખૂબ જ હર્ષ, ઉલ્લાસ અને ભાવવિભોર થઈને જોડાયા હતા. ઢોલ-તાસા અને અબીલ-ગુલાલની ઉડતી ગુલાબી છોળો વચ્ચે યુવાધન ઝૂમી ઉઠયું હતું. 12 દિવસ સુધી જે દાદાની પૂજા-અર્ચના કરી, તેમના આ મનમોહક સ્વરૂપને નજરોમાં વસાવ્યું હતું. તેમને આજે નદી-તળાવમાં વિસર્જિત કરતી વખતે અનેક શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ હતી. શ્રદ્ધાળુઓ જણાવે છે કે, અમે ગણેશભક્ત અમે 12 દિવસ સુધી દાદાની ખૂબ ભાવપૂર્વક સેવા કરી. આજે વિદાય આપતી વખતે હૃદય ભારે થઈ રહ્યું છે. પણ સાથે આશા છે કે, બાપ્પા આવતા વર્ષે ફરી અમારા ઘરે સુખ-શાંતિ લાવશે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે વિસર્જન સ્થળો પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો