નસવાડી તાલુકાના ધારસીમેલથી આમટા જતા રસ્તા પર મસમોટા ભૂવાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધારસિમેલ ચોકડીથી આમટા ગામ સુધીનો આઠ કિ.મીનો રસ્તો ભારે વળાંક વાળો, ઉબડખાબડ અને ડુંગરોને ભેદે છે. આ રસ્તો હાલ સાવ બિસ્માર થઈ ગયો છે. આ રસ્તા પર ધૂળ માટી અને મસમોટા ખાડાઓને કારણે હાલ જોખમી જણાઈ રહ્યો છે. ધારસિમેલ, નિશાણા, તુરખેટ, ઉડેટ, આમટા, વાડીયા જેવા અનેક ગામોના લોકો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યાં છે. ગત ચોમાસામાં વરસાદને કારણે રોડ સાવ ધોવાઈ જઈ મસમોટા ભૂવાઓ પડી ગયા છે. કેટલીક જગ્યાએ તો આ ભૂવાઓ મોટી ખાઈ જેવા દેખાય છે. ન છૂટકે લોકોને આ રસ્તાનો ઉપયોગ તાલુકા મથકે આવન જાવન કરવા માટે મજબૂર થવું પડે છે. જો કોઈ વાહન ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આમ આ રસ્તાની તંત્ર દ્વારા મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે સમારકામ થાય તે જરૂરી બન્યું છે.