શક્તિની આરાધના અને ભક્તિભાવના મહાપર્વ એવા નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નસવાડી ગામમાં નવરાત્રીની તૈયારીઓએ જોર પકડયું છે. નવરાત્રીના પવિત્ર પર્વને આવકારવા માટે બજારોમાં માટીની ગરબીઓ, માતાજીની આકર્ષક મૂર્તિઓ તેમજ રંગબેરંગી ચુંદડીઓનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. તહેવારની રોનક વચ્ચે ગરબી બનાવતા કારીગરો અને મૂર્તિકારોના ચહેરા પર પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
નવરાત્રી એટલે મા જગદંબાની આરાધના, શક્તિની ઉપાસના અને આસ્થા સાથે ગરબે ઘૂમવાનો પવિત્ર ઉત્સવ. નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના, ગરબી પ્રગટાવવાની પરંપરા અને ભક્તિભાવથી કરવામાં આવતી આરતીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ જ પરંપરાને જાળવી રાખવા માટે નસવાડીના લોકો નવરાત્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. ગામના બજારોમાં માતાજીની મૂર્તિઓ, માટીની ગરબીઓ અને ચુંદડીઓની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે માતાજીની મૂર્તિઓના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં રૂ. 1,100થી લઈને રૂ. 6,000 સુધીની વિવિધ કદ અને આકર્ષક ડિઝાઇનવાળી માતાજીની મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવી છે. ભક્તો પોતાની પસંદગી અને બજેટ અનુસાર માતાજીની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. સાથે જ નવરાત્રીમાં સ્થાપના માટે માટીની ગરબીઓ અને માતાજીને શણગારવા માટેનીસુંદર ચુંદડીઓની પણ માંગ જોવા મળી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
