નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં આજે સરપંચ મેહુલ તડવી સામે અવિશ્વાસની દરખાસ્તને લઈને ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર 12 સભ્યો અગાઉ મધ્ય પ્રદેશ ગયા હતા. આજે બેઠકના નિર્ધારિત સમય પહેલાં સભ્યો નસવાડી ગ્રામ પંચાયત ખાતે પહોંચતાં જ વાતાવરણ ગરમાયું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે હોબાળાનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દરમિયાન ઉશ્કેરાયેલી ભીડ દ્વારા સભ્યો જે ગાડીમાં આવ્યા હતા તેના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી વણસી હતી કે ચૂંટણી અધિકારી પણ ગ્રામ પંચાયત કચેરીમાં અટવાઈ ગયા હતા, જ્યારે કેટલાક સભ્યોને કચેરીની અંદર જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મામલો થાળે પાડયો હતો. નસવાડીમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈને શરૂ થયેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે અગામી સમયમાં હવે કેવો રાજકીય વળાંક લે છે તેના ઉપર નસવાડીના લોકોની નજર ટકેલી છે. જો કે આ વિવાદ હજુ વકરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.એક તરફ્ કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટના આયોજન અને વપરાશને લઈને સરપંચ તથા સભ્યો વચ્ચેનો વિવાદ છે, તો બીજી તરફ્ અવિશ્વાસની દરખાસ્ત પર મતદાનની પ્રક્રિયા જ હોબાળા અને તાળાબંધીના કારણે પૂર્ણ થઈ શકી નથી. આમ, નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો હવે માત્ર પંચાયતના આંતરિક રાજકારણ પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો