નસવાડી તાલુકાના જીતપુરા ગામમાં શનિવારે સવારે આશરે 8 વાગ્યે દીપડાના હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામના રહેવાસી ચીમનભાઈ બચુભાઈ નાયકા બકરાં માટે પાલો લેવા કોતર વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલામાં ચીમનભાઈના બંને હાથ પર દીપડાના પંજાના ઘા વાગ્યા હતા. જોકે સદનસીબે તેઓ દીપડાની ઝપેટમાંથી બચી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. હુમલાનું સ્થળ જીતપુરા ગામની પ્રાથમિક શાળાની નજીક હોવાથી, જ્યાં નાના બાળકો અભ્યાસ કરે છે, ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ગામમાં લોકોને સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.