દિવાળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે નસવાડી તાલુકામાં ખેતીને થયેલા ભારે નુકસાનને પગલે દિવાળીના તહેવારની રોનક જાણે ફ્ક્કિી પડી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. આ વર્ષે ખેતીમાં થયેલ ભારે નુકસાનને કારણે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાક નિષ્ફ્ળ જતાં ખેડૂતોની આવક પર સીધી અસર પડી છે. ખેડૂતોના હાથમાં પૈસા ન આવતાં તેની અસર હવે દિવાળીના તહેવારની ખરીદી પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. દર વર્ષે દિવાળી પહેલાં જે બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી, ત્યાં આ વર્ષે ઘરાકીનો અભાવ વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. તાલુકાના ગામેગામથી લોકો દિવાળીની ખરીદી માટે વડુમથક નસવાડી ખાતે આવતા હોય છે. ખાસ કરીને દિવાળી દરમિયાન કપડાં, મીઠાઈ, ફ્ટાકડા, ઇલેક્ટ્રિક લાઇટિંગ, અનાજ-કરિયાણા અને અન્ય ઘરવખરીની વસ્તુઓની ખરીદીમાં તેજી રહેતી હોય છે. પરંતુ આ વખતે ખેતીમાં નુકસાન અને નબળી આર્થિક સ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો જરૂરી ચીજવસ્તુની ખરીદીમાં પણ કરકસર કરે છે. આ મંદીના માહોલની સૌથી વધુ અસર ઇલેક્ટ્રિક વસ્તુઓના વેપારીઓ, અનાજ-કરિયાણાના વેપારીઓ તેમજ કાપડના વેપારીઓ પર જોવા મળે છે. વેપારીઓએ તહેવારને ધ્યાનમાં રાખીને માલસામાનનો સ્ટોક કર્યો છે. દુકાનોમાં આકર્ષક વસ્તુઓ પણ ગોઠવી છે. પરંતુ ગ્રાહકોની ઓછી ખરીદીને કારણે વેપારીઓની આશા પર પાણી ફરી વળતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વેપારીઓ માટે દિવાળી વર્ષનો સૌથી મહત્વનો વેપારી સમયગાળો મનાય છે. આખા વર્ષ દરમિયાન જે ઘરાકી થતી નથી તે દિવાળીના તહેવાર દરમિયાન થતી હોય છે. પરંતુ આ વખતે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનતાં બજારમાં પૈસાની હેરફેર ઘટી છે. ગામડાંના લોકો ખરીદી કરવા બજારમાં આવે તો પણ પહેલાંની જેમ મન મૂકીને ખરીદી કરતા નથી.
