નસવાડી તાલુકામાં એકસાથે 19 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે 21 નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આમ, તાલુકામાં કુલ 40 આંગણવાડી કેન્દ્રોને લગતી કામગીરીને નવી ગતિ મળી છે. આ પ્રસંગે જામલી-1 ખાતે તાલુકા વિકાસ અધિકારીના હસ્તે 21 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે નસવાડી-2 અને નસવાડી-4 ખાતે તાલુકા પંચાયતના પ્રમુખોના હસ્તે 19 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું. જેનાથી તાલુકામાં આંગણવાડીની માળખાકીય સુવિધાના વિસ્તરણ સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકો અને માતાઓ માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થયો છે. આંગણવાડી કેન્દ્રો માત્ર બાળકોને બેસવા અને રમવા માટેની જગ્યા નથી. પરંતુ બાળકોના જીવનના પાયાના ઘડતરનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. બાળકના જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં યોગ્ય પોષણ, આરોગ્યની સંભાળ, રમતગમત આધારિત પ્રવૃત્તિઓ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ખૂબ જ જરૂરી હોય છે. આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબ પોષણક્ષમ આહાર, આરોગ્યલક્ષી માર્ગદર્શન, રસીકરણ અંગે જાગૃતિ, વૃદ્ધિનું નિરીક્ષણ અને શાળામાં પ્રવેશ પહેલાં જરૂરી શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં મદદ મળે છે. નવા આંગણવાડી કેન્દ્રો તૈયાર થવાથી ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને સુરક્ષિત, સ્વચ્છ અને યોગ્ય વાતાવરણમાં શીખવા-રમવાની તક મળશે. બાળકોમાં ભાષા, ગણતરી, ઓળખ, સર્જનાત્મકતા, સામાજિક વ્યવહાર અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવામાં પણ આ કેન્દ્રો મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો