છોટા ઉદેપુર જીલ્લો કૌભાંડો માટે પ્રખ્યાત છે, એક પછી એક કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે.અગાઉ નકલી કચેરીનું કૌભાંડ ખૂબ ગાજ્યું હતું. ત્યારબાદ મન મોટા કૌભાંડો પણ બહાર આવ્યા હતા.પરંતુ આજે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ દ્વારા વિવિધ ગ્રાન્ટના આવેલા નાણાં બોડેલી ખાતે આવેલી HDFC બેંકના ખાતા નં.50100281543857 માં જમા કરાવી દીધા હતા.


કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ દ્વારા વિવિધ ગ્રાન્ટના રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

છોટા ઉદેપુર જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) કચેરીમાં ગાંધીનગરની કચેરીથી જીલ્લામાં ચાલતા વિવિધ કાર્યક્રમ હેઠળ જુદા જુદા હેડ પર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.જે એકાઉન્ટમાં યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની સંયુક્ત સહીથી નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો, પરંતુ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ દ્વારા યુનિટ મેનેજરની તથા જિલ્લા સંયોજકની ખોટી બોગસ સહીઓ કરી રૂ.1,41,06,820/- પોતાના બોડેલીની HDFC બેંકના ખાતા નં.50100281543857 માં તા.8/11/2024 થી 16/10/2025 ના સમયગાળા દરમિયાન 56 ટ્રાન્સેક્શન મારફતે જમા કરાવી દીધા હતા.

પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરતા બેન્કમાં બેલેન્સ ઓછું હોવાનું જાણવા મળ્યું હતું

છોટા ઉદેપુર વાસ્મો કચેરીમાં ચાલી રહેલ આ છેતરપિંડી દિવાળી સમયે તા.18/10/2025 ના રોજ સ્ટાફનો પગાર કરવા માટે બે ચેક આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટને આપવામાં આવ્યા હતા. આ ચેક ક્લીયર થયા ન હતા. દિવાળી પૂરી થયા બાદ પણ ચેક ક્લીયર ન થતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિરભાઈ હસમુખભાઇ પટેલને પૂછતા તેઓએ ત્યારે તેઓએ બેંકની સિસ્ટમ સ્લો હોવાનું જણાવ્યું હતું. પરંતુ દિવાળી પૂરી થઈ જવા છતાં પગાર જમા ન થતા પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરતા બેન્કમાં બેલેન્સ ઓછું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે

જેને લીધે પગારનો ચેક ક્લીયર થયો ન હતો. જેથી સમગ્ર હકીકત જાણવા બેંક સ્ટેટમેન્ટ કાઢતા તમામ રૂપિયા તિમિરભાઈ હસમુખભાઇ પટેલના HDFC બેંકના ખાતામાં જમા થયાનું બહાર આવ્યું હતું. આ મામલે આરોપી તિમિર પટેલ નફ્ફટ થઈને પોતે ભૂલ કરી હોવાનું અને હકીકત જાતે જ અધિકારીઓ તેમજ પોલીસને જાણ કરી હોવાનું જણાવી રહ્યો છે. હાલ તો વાસ્મોના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ દ્વારા રૂ.૧,૪૧ કરોડની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સિવાય અન્ય નામો પણ ખુલે તેવી સંભાવના જોવાઈ રહી છે.
  • Follow us on: