નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તડવી મેહુલ કુમાર પ્રકાશભાઈની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં પંચાયતના 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ અંગે સભ્યોએ તા. 14 ઓક્ટોબર, 202 6ના રોજ તલાટી-કમ-મંત્રીને લેખિત નોટિસ આપી નિયમ મુજબ ખાસ બેઠક બોલાવવાની માગ કરી છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. સરકારી ગ્રાન્ટ, નાણાકીય હિસાબો અને વાર્ષિક અંદાજપત્ર અંગે સભ્યોને પૂરતી માહિતી આપવામાં આવતી નથી. ઉપરાંત, રૂ. 5 લાખની રકમ ડિપોઝિટ પેટે જમા કરાવવા સહિતના નાણાકીય વ્યવહારોમાં નિયમોનું પાલન ન થયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સભ્યોએ ગ્રાન્ટના ઉપયોગ, પંચાયતના ખર્ચ, કર્મચારીઓના પગાર અને ગામમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટ તથા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. સરપંચ દ્વારામાસિક બેઠકોમાં સભ્યો પર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ નોટિસમાં કરવામાં આવ્યા છે. સભ્યોએ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ સાત દિવસમાં અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા અને મતદાન માટે ખાસ બેઠક બોલાવવા તેમજ તાલુકા વિકાસ અધિકારીને નિયમ મુજબ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
