25
છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં હાલ ગેરકાયદે બેફામ રેતી ખનનનો કાળો કારોબાર ફલીફ્ૂલી રહ્યો છે. તંત્ર જ્યારે વિવિધ સરકારી કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ્ માફ્યિા ધોળેદિવસે અને રાત્રિના અંધારામાં નદીનો ખોળો ખુંદીને રેતીની ચોરી કરી રહ્યાં છે. સામા કાંઠા વિસ્તારના ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરવાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અવિરત અને અંધાધૂંધ ખનનને કારણે ઓરસંગ નદીનું નૈસર્ગિક અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, હવે નદીના પટમાં રેતી નામશેષ થઈ છે. માત્ર કપચી તથા કાંકરા જ બાકી રહ્યાં છે. પર્યાવરણને પહોંચી રહેલા આ ભારે નુકસાન છતાં જવાબદાર ખાણ-ખનિજ વિભાગ કે, સ્થાનિક વહીવટી તંત્ર મૌન સેવીને બેસી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ફ્લાઇંગ સ્ક્વૉડના દરોડા છતાં માફ્યિાઓને કોઈ ડર રહ્યો નથી. હજુ થોડા દિવસો અગાઉ જ સ્ટેટ ફ્લાઇંગ સ્ક્વૉડની ટીમે તેજગઢ નજીક દરોડા પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આટલી મોટી કાર્યવાહી બાદ પણ ગેરકાયદે રેતી ખનન અને વહન કરતી ગેંગ બેફામ બની છે. છોટાઉદેપુર નગરના સામા કાંઠાના ગામો તથા આસપાસના વિસ્તારમાંથી દરરોજ અસંખ્ય ઓવરલૉડ ટ્રેક્ટરો અને ભારે વાહનો ખુલ્લેઆમ પસાર થઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે, રેતી માફ્યિાઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. પ્રતિબંધિત અને નબળા બ્રિજ પરથી પણ ક્ષમતા કરતાં વધુ વજન ધરાવતા ઓવરલૉડ વાહનો પસાર થઇ રહ્યાં છે. જેના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ અને નદી પરના બ્રિજને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભવિષ્યમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ ? એવા તીખા પ્રશ્નો હવે પ્રજામાંથી ઉઠી રહ્યાં છે. સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે, તંત્ર કાગળ પરની કાર્યવાહી બંધ કરે અને નદીનું અસ્તિત્વ બચાવવા તેમજ સરકારી સંપત્તિને થતું નુકસાન અટકાવવા માટે રેતી માફ્યિાઓ સામે કડકમાં કડક પગલાં ભરે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો