દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતિય નાયક ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી તથા જન જાતિય ગૌરવ દિવસ સાપ્તાહિક ઉજવણી અંતર્ગત આર્ચરી ગ્રાઉન્ડ, ખુટાલિયા, છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ યોજાયો હતો.

જે પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જાણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જન જાતીય ગૌરવ દિવસના સપ્તાહ ઉજવવાના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે દેશી અને ગ્રામીણ રમતોત્સવ યોજાયો છે. તાલુકાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ લીંબુ-ચમચી, ખો-ખો, દોરડા ખેંચ જેવી અનેક દેશી રમતો રમી અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં ખેલદીલી અને ટીમ સ્પિરિટની ભાવના વધે માટે વડાપ્રધાનની પ્રેરણાથી વિશેષ ગ્રામીણ રમતોત્સવ કાર્યક્રમોના આયોજન કરાય છે. જેનો ઉદેશ યુવાનોમાં વિસરાતી જતી પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવાનો છે. સાથે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ તેમજ પરંપરાગત રમતોના જતન અને સંવર્ધન પર ભાર મૂક્યો હતો. જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ દ્વારા ખો-ખો, તીરંદાજી, લીંબુ ચમચી, કોથળા કુદ જેવી રમતોમાં વિજેતા થયેલા રમતવીરોનો મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા, મામલતદાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા નગરપાલિકા પ્રમુખ ડૉ. રજનીબેન રાઠવા, નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર ભાવિન બરજોડ, તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારી સહિત રમતવીરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.