રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક તેમજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. એકતા દોડ'ના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ સામૂહિક રીતે દેશની રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા બનાવી રાખવાના માટેના 'એકતા શપથ' ગ્રહણ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ એકતા દોડ એસ એફ્ હાઈસ્કૂલના પ્રાંગણથી પ્રસ્થાન કરી ક્લબ રોડ, એસ.ટી. ડેપો અને અલીરાજપુર ચોકડી થઈને પરત એસ.એફ્. હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ દોડે સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને અને રાષ્ટ્રીય એકતાના સંદેશને સાર્થક કર્યો હતો. રાષ્ટ્રીય એકતા દિવસના ઉપક્રમે યોજાયેલી આ એકતા દોડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે અને મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો તેમજ યુવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
