વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલ તા. 8 સપ્ટેમ્બરે ગુજરાત આગમનને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. જે નિમિત્તે છોટાઉદેપુર, વડોદરા, નવસારી અને સુરત સહિત રાજ્યમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે.
જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરે એક વિશેષ પહેલ કરી છે. છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. છોટાઉદેપુર રેલવે સ્ટેશન પરિસરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં છોટાઉદેપુરના માનનીય સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર, વિવિધ સમિતિના ચેરમેનો સૌરભ શાહ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાનના સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો આ તકે સૌએ દ્રઢ નિર્ધાર કર્યો હતો. આ અભિયાન દ્વારા છોટાઉદેપુર નગરે સ્વચ્છતાનો સંદેશ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચાડવાની એક પ્રેરણાદાયી શરૂઆત કરી છે.
