છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ અને છેવાડાના વંચિત નાગરિકોની સ્થાનિક સમસ્યા અને ફરિયાદોનું તેમના ઘરઆંગણે જ ત્વરિત, પારદર્શી અને સચોટ નિરાકરણ લાવવા માટે વહીવટી તંત્ર આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા તાલુકાના ધોળીસામેલ ગામની મુલાકાત લીધી હતી. વહીવટી તંત્ર આપના દ્વારેનો મુખ્ય અને સર્વોપરી ઉદ્દેશ ભૌગોલિક, આર્થિક, શારીરિક કે સામાજિક મર્યાદાઓને કારણે સરકારી કચેરીઓ સુધી પહોંચવામાં અસમર્થ એવા ગ્રામજનોની વેદના અને સમસ્યાને સાંભળવાનો તથા તેનો સત્વરે નિકાલ લાવવાનો છે. મુલાકાત દરમિયાન કલેકટરે ગ્રામજનોને મળતી સુવિધા તથા તેમના સ્થાનિક પ્રશ્નોની માહિતી મેળવી ઘરે ઘરે જઈ યોજનાના લાભ મળ્યા અંગે ચકાસણી કરી હતી. સરકારી યોજનાના લાભો લાભાર્થીને નિયમિત મળે છે કે, નહીં તેની માહિતી મેળવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. વહીવટી તંત્ર આપના દ્વારે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઅને કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
