કદવાલ તાલુકાના ગઢ ભીખાપુરા ખાતે તસ્કરોએ મોટર રીપેરીંગની દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઇનોવા કાર લઈને આવ્યા હતા. દુકાનનું શટર તોડી મોટી માત્રામાં કિંમતી સામાનની ચોરી કરી ફરાર થયા હતા. ગઢ ભીખાપુરાના ચુલી રોડ પર અંબિકા શોપિંગ સેન્ટરમાં બોર મોટર રીપેરીંગની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. નજીકની દુકાનમાં લગાવેલા CCTV કેમેરાની તપાસ દરમિયાન રાત્રિના આશરે 1:45 વાગ્યાના અરસામાં એક ઇનોવા કાર આવીને અને પાર્ક થતી જોવા મળી હતી. તસ્કરોએ ખટાશ રોડ તરફ્થી ઇનોવા કાર લાવી શોપિંગ સેન્ટરની દુકાનના શટર પાસે રિવર્સમાં ગોઠવી હતી. ત્યારબાદ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આશરે 45 મિનિટ સુધી દુકાનમાંથી જૂની તથા નવી મોટરો, મોટર રિવાઇન્ડિંગમાં ઉપયોગમાં લેવાતા તાંબાના વાયર, તાંબાના બુશ તેમજ મોટર બાંધકામમાં વપરાતો અન્ય કિંમતી સામાન સહિતની વસ્તુઓ ઇનોવા કારમાં ભરી તસ્કરો ફરાર થયા હતા. નોંધનીય છે કે, તસ્કરો જે રસ્તેથી આવ્યા હતા. તે જ રસ્તે પરત જવાને બદલે ચુલી તરફ્ના રસ્તે ઇનોવા કાર હંકારીને નીકળી ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ નજીકના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્, વહેલી સવારે દુકાનનું શટર ખુલ્લું અને તૂટેલી હાલતમાં જોવા મળતાં ચોરીની ઘટનાની જાણ થઈ હતી. દુકાનના માલિકને કરાતાં છોટાઉદેપુરના ધંધોડા ગામેથી તાત્કાલિક ગઢ ભીખાપુરા દોડી આવ્યા હતા. ત્યારબાદ કદવાલ પોલીસને જાણ કરાતાં પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
