છોટાઉદેપુર નગરમાં આવેલ સિંધી ટારણ પાસે ચાર રસ્તે વર્ષો જૂની ઈ.સ. 1992/93ની આસપાસના સમયમાં બનેલી પાણીની ટાંકી હાલ જર્જરીત થઈ છે. તેમાં પાણી પણ ભરાતું નથી. આ ટાંકી જર્જરિત હોવાને કારણે પડી જાય તેવી સંભાવના છે. પરંતુ પ્રજાની ઉપર આવનારી મુસીબત તંત્રના ધ્યાને આવતી નથી. આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તા પાસે આવેલી હોય અને ભરચક રહેણાંક વિસ્તાર હોય આ જગ્યા ઉપર લોકોની અવરજવર રહેતી હોય તેવા સમયમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન થઇ પડયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રજાની સુખ સુવિધા માટે આંધળો ખર્ચ કરાય છે. પરંતુ જૂનું બાંધકામ હોય જે જાહેર જગ્યાઓ ઉપર આવેલું હોય તેની કોઈ કાળજી રખાતી નથી. છોટાઉદેપુરના સિંધી ટારણ પાસે આવેલી આ પાણીની ટાંકીને તિરાડો પડી છે. તેના સ્લેબ ઉપરના અને પીલ્લરના પોપડા ખરી રહ્યાં છે. જ્યારે આ ટાંકી પડી જાય તેવી શક્યતા છે. અગાઉના દોઢ વર્ષ પેહલા એક વ્યક્તિ આ ટાંકી પરથી પડી જતા મોતને ભેટયો હતો. રહેણાંક અને વસ્તીવાળા આ વિસ્તારમાં આવેલી આ ટાંકી ઉપરથી કોઈ પોપડા પડે અને કોઈને ઇજાઓ થાય કે કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ભર બજારે ચર્ચાઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો