છોટાઉદેપુર નજીક પીપલેજ ગામ અને સિંગલા ઘાટી વચ્ચે ગતરોજ મોડીસાંજે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં ઈકોકાર ચાલક અને બાઈક પર સવાર બે વ્યક્તિ સહિત કુલ 3નાં મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ સમી સાંજે છોટાઉદેપુર નજીક સિંગલા ઘાટી અને પીપલેજ ગામની હદ પાસે એક ઇકોકાર અને મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર બે વ્યક્તિ અને ઇકોકાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ ત્રણે વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની પ્રાથમિક ઓળખ થઈ ચૂકી છે. જેમાં અશ્વિન ગુરજી રાઠવા (ઉં.29 રહે.વજેપુર સતડીયા ફ્ળિયું તા.કવાંટ), હસમુખ રણછોડ રાઠવા (ઉં.36 રાયછા તા.કવાંટ), મિનેશ નગીન રાઠવા ગામ ભૂમસવાડા, તા કવાંટ જિ.છોટાઉદેપુર) મોતને ભેટયા છે. જ્યારે જયેશ વેચાત રાઠવા અને ગોવિંદ બચુ કનેશ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો