નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી હતી. વરસાદને અભાવે ખેતરોમાં ઉભેલા પાકને પાણીની તંગી વર્તાઇ હતી. મહામહેનતે તૈયાર કરેલો ઉભો મોલ સુકાઈ જવાની ભીતિ ખેડૂતોને સતાવતી હતી. જોકે ભાદરવા મહિનાના પ્રથમ દિવસે જરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ભારે ચિંતામાં મુકાયા હતા. જોકે, મેઘરાજાએ કૃપા વરસાવતા ખેડૂતોના ચહેરા પર ફરી ખુશી છવાઈ છે.
ભાદરવાના પ્રથમ દિવસે સાંજના આશરે ચાર વાગ્યાથી નસવાડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદે બાદમાં મુશળધાર સ્વરૂપ ધારણ કરતાં ખેતરોમાં પાણીની આવક થઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદ ખેંચાતા કપાસ, મકાઈ, સોયાબીન સહિતના વિવિધ પાકો પાણીની અછતના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારોમાં પાક સુકાવાની શરૂઆત થઈ હતી. ત્યારે ભાદરવાના પ્રથમ દિવસે પડેલા સારા વરસાદથી ઉભા પાકને જરૂરી ભેજ મળતા પાકમાં નવજીવન આવવાની આશા ખેડૂતોમાં જાગી છે.
