સંખેડા ઓરસંગ નદીમાં પાણીના સ્તર ઘટી જવાની સાથે તરબૂચ શકરટેટીની ખેતી ગાયબ થઈ ગયા છે. જેનું સ્થાન કાકડી ચોળી જેવા પાકોએ લેતા તેની હરિયાળી રંગબેરંગી સાડીઓની વચ્ચે ભારે આકર્ષણ લાગે છે. સાથે પુલ ઉપરથી પસાર થનાર સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. એક સમયે સંખેડા, બહાદરપુર, પીપળસટ, અરીઠા, ખેરવા, વડદલી, રતનપુર (ક) જેવા ગામો પાસેથી પસાર થતી ઓરસંગ, ઉચ્છ, હેરણ જેવી નદીઓના પટમાં આશરે 150 થી પણ વધુ એકરની જગ્યામાં તરબૂચ, સકરટેટીના પાકોનું વાવેતર થતું હતું. જેનાથી એક હજાર જેટલા લોકોનું ભરણપોષણ થતું હતું. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના આર્શીવાદથી ખનીજ માફ્યિાઓએ નદીની હાલત બદતર બનાવી દીધી છે. જ્યારે ઓછા વરસાદને લઈ નદીઓમાં પાણીના સ્તર ખૂબ જ ઘટી ગયા છે. જેને લઈ તરબૂચ સકરટેટીના તૈયાર થવા આવેલ પાકોમાં વાઇરસ આવતા પાક નિષ્ફ્ળ ગયો હતો. જેને લઇ ભોઈ સમાજ સહિત અન્ય પરિવારજનોની હાલત કફોડી બની હતી. અને તેઓ દેવાના ડુંગર નીચે કચડાવા લાગ્યા હતા. તેઓએ આવા પાકોની ખેતી બંધ કરીને ચોળી-કાકડી જેવા રોકડિયા પાકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને હાલમાં પોતાનું જીવન ગુજારી રહ્યાં છે. ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ્ ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક પદ્ધતિથી તરબૂચની ખેતીના પ્રયોગને સફ્ળ બનાવતા પ્લાસ્ટિક કવર સાથે તરબૂચની ખેતીનો અદ્ભુત નજારો નદીની જગ્યાએ ખેતીલાયક જમીન ઉપર જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો