છોટાઉદેપુર ઓરસંગ નદીમાં રૂા.7 કરોડના ખર્ચે ચેકડેમ બનાવાયો હતો. જે ચેકડેમ વૉટર વર્કસના કૂવાની આસપાસના વિસ્તારમાં પાણીનો સંગ્રહ થઈ રહે તે માટે અને ઉનાળામાં દર વર્ષની જેમ પાણીની તકલીફ પ્રજાને ના પડે તે હેતુથી બનાવ્યો હતો. જેમાં પાણીનો સંગ્રહ કરવા માટે દરવાજામાં ફાઇબરની પ્લેટો લગાડાઇ હતી. જે ચોમાસા અને શિયાળા દરમિયાન પાણીનો સંગ્રહ કરે છે. ઉનાળામાં આ જ પાણી પ્રજાને વારિગૃહના માધ્યમથી મળે છે. પરંતુ હાલમાં આ પ્લેટો ચેકડેમના ગેટમાંથી નીકળી ગયેલી જોવા મળે છે. અમુક દરવાજામાં તો પ્લેટો અદ્રશ્ય છે. જેથી પાણી નિરંતર વેસ્ટ થઈ રહ્યું છે.
છોટાઉદેપુર નગરની 35 હજારની વસતીને પાણી પૂરું પાડતું નગર પાલિકાનું વૉટર વર્કસ દર ઉનાળામાં પાણી વિહિન થઇ જાય છે. જેના કારણે પ્રજા સુધી પાણી પહોંચાડવું ભારે અઘરું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે નગર પાલિકા દ્વારા વૉટર વર્કસ વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચેકડેમ બનાવ્યો હતો. પરતું તંત્ર દ્વારા ચેકડેમની કોઈ જ કાળજી લેવાતી નથી. પાણી વ્યર્થ વહી રહ્યું છે. ઉનાળા પહેલા પાણીના સ્તર ઘટી જતા હોય બેફમ રેતી ખનનને કારણે નદીમાં પાણી બચતું નથી. ગળાતુ પણ નથી. ઉનાળામાં પ્રજાએ તરસ્યા રહેવાનો વારો આવે છે.
પ્લેટો કોણે કાઢી તે અંગે તપાસ કરવા લોકમાગ
છોટાઉદેપુર નગરની 35 હજારની વસતી દર ઉનાળામાં પાણી માટે વલખાં મારે છે. જ્યારે નગરમાં પાણી એકાંતરા દિવસે પણ આપવાનો વારો આવે છે. ત્યારે હાંફેશ્વરથી નર્મદા નદીનું પાણી વેચાતું મગાવવાની ફરજ પાલિકાને પડે છે. તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ ચેકડેમમાંથી વહી રહેલા પાણીને અટકાવવું જોઈએ. અને ચેકડેમની સારસંભાળ તંત્રે યોગ્ય રીતે રાખવી જોઈએ. અને આ પ્લેટો કોણે કાઢી કે કેવી રીતે નીકળી ગઈ તેની તપાસ થવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.
પાણીનો ઘેરાવ ઓછા કરવાના બદઇરાદે ચેકડેમની પ્લેટો કઢાતી હોવાની શંકા
ચેકડેમથી ઉપરના વિસ્તાર તરફ રેલવેના બ્રિજ આવેલો છે. જે બ્રિજની આગળના વિસ્તાર સુધી ફૂલ પાણીનો સંગ્રહ કરાય છે. પરતું આ જગ્યા ઉપર મોટા પાયે રેતી ખનન પણ ચાલતું હોય ત્યારે ચેકડેમના પાણીનો ઘેરાવો ઓછો કરવાના બદઈરાદે ચેકડેમની પ્લેટો ગેરકાયદે રેતી ખનન કરતા માફીયાઓ કાઢી નાખતાં હોય તેવી પણ માહિતી મળી રહી છે. રાત્રિના સમયે નદીમાં ચેકડેમ પાસે સુમસામ જગ્યા ઉપર શું ધંધા થઈ રહ્યા છે ? કોના ઇશારે કે કોની રહેમનજર હેઠળ આ ચાલી રહ્યું છે ? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો