નસવાડી તાલુકાના શિક્ષણક્ષેત્રે આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો. તાલુકામાં નવા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જીજ્ઞેશભાઈએ સત્તાવાર કાર્યભાર સંભાળ્યો હતો. તેમના આગમન સાથે જ તાલુકાના શિક્ષણતંત્રમાં નવી ઉર્જા, નવી દ્રષ્ટિ અને સકારાત્મક માહોલનું સંચાર થયું છે.
વિશેષરૂપે, અત્યાર સુધી તાલુકામાં TPEO તરીકે ચાર્જ સંભાળી રહેલા જસવંતસિંહને નસવાડી તાલુકા શિક્ષક સંઘ દ્વારા માનપત્ર, શાલ અને આનંદપૂર્વકના અભિવાદન સાથે સન્માનિત કરાયા હતા. સમારંભમાં નસવાડી તાલુકા સંઘના પ્રમુખ પરસોતમભાઈ, નસવાડી મંડળીના પ્રમુખ દિનેશભાઈ, સંઘના વિવિધ મંત્રી, શિક્ષકો તથા ટીમના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહીને જસવંતસિંહને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ નવી નિમણૂંક પામેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈને સત્તાવાર રીતે ચાર્જ હસ્તાંતરણ કરાયો હતો. આ પ્રક્રિયા સંપૂર્ણ વ્યવસ્થા, સન્માન અને સાકારાત્મકતાથી પૂર્ણ થઈ. ચાર્જ હસ્તાંતરણ બાદ બંને અધિકારીઓએ શિક્ષણક્ષેત્રે સતત સુધારાને લગતા વિચારો અને અભિપ્રાયો શેર કર્યા હતા.










