નસવાડી તાલુકાના આકોનાં ગામ ખાતે એક રહેણાંક વિસ્તારની નજીક અંદાજે 6 ફૂટ લાંબો વિશાળ અજગર દેખાતા સમગ્ર ગામમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. અજગર દેખાતા જ સ્થાનિક રહેવાસીઓમાં દહેશત ફેલાઈ હતી. તરત જ તેની જાણ નસવાડી જીવદયા પ્રેમી ટીમને કરાઇ હતી. માહિતી મળતાં જ નસવાડી જીવદયા પ્રેમી ટીમના અનુભવી અને પ્રશિક્ષિત સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે અત્યંત શાંતિ, સતર્કતા અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન ગામના કોઈપણ નાગરિકને ઇજા ન થાય તેમજ અજગરને કોઈપણ પ્રકારની હાનિ કે, તણાવ ન થાય તેની ખાસ કાળજી લેવાઇ હતી. ઘણાં સમયની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડીને કુદરતી વાતાવરણમાં ઇન્દ્રાલના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: