છોટાઉદેપુર નગરની આસપાસ ઓરસંગ નદીના સામા કિનારે તથા કવાંટ રોડ તરફ જતા ઝાડી વિસ્તારમાં સફેદ રેતીનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. રેતી ખનીજનો જથ્થો આ જગ્યાઓ ઉપર ભારે માત્રામાં ઠલવાઈ રહ્યો છે. આ કારોબાર રાત્રીના સમયે તંત્ર નિંદ્રામાં હોય અને અમલદારો ઉંઘતા હોય તેવા સમયે થતો હોય છે. રેતી માફિયાઓ નદીમાંથી ટ્રેક્ટરો મારફ્તે રેતી તો કાઢી લાવે છે. પરતું એની રોયલ્ટી ક્યાંથી લાવે છે. એ યક્ષ પ્રશ્ન છે. બેફામ બેરોકટોક રેતી ખનનને કારણે હવે ઓરસંગ નદીમાં રેતી પૂર્ણ થવાને આરે છે. તેવા સમયે પ્રજાના હિત માટે રેતી બચાવવી, ઓરસંગ નદી બચાવવી તંત્ર માટે આવશ્યક થયું છે. પરતું કોઈને કશી પડી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં પુરજોશમાં રેતી ખનન ચાલી રહ્યું છે. જેને કારણે રેતીના સ્તર ઓરસંગ સહિત જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘટી રહ્યા છે. જેના કારણે નદીઓ ઉપર બનાવેલા બ્રિજના પાયાને ચોમાસામાં પાણીના ધસમસતા પ્રવાહના મારથી ભારે નુકશાન થયું છે. જેથી પાવીજેતપુર પાસે ભારજ નદી પરનો મુખ્ય માર્ગનો બ્રિજ તૂટી પણ ગયો હતો. અને મુખ્ય રાજમાર્ગ બંધ થવાને કારણે પ્રજા હાલ ભારે તકલીફ વેઠી રહી છે.
કોતરોને પણ ભરખી રહેલા રેતી માફિયા
છોટાઉદેપુરની ઓરસંગ નદી સહિત નાના કોતરો અને નદીઓને પણ રેતી માફિયાઓએ છોડી નથી. દિવસ રાત અવૈધ રેતી ખનન કરીને રેતીનો જથ્થો નદીઓમાં ઘટાડી દીધો છે. અધુરામાં પુરું નદીમાંથી રેતી કાઢી લાવી સરકારી જગ્યાઓ ઉપર રેતી ખનીજ ટ્રેક્ટરો મારફ્તે લાવી મોટા ઢગલા કરાય છે. ત્યાંથી મોટી ટ્રકોમાં રેતી ભરી બહાર મોકલાય છે. આ તમામ કારોબાર રાત્રીના સમયે થતો હોય છે. પરતું દિવસે ગ્રામિણ વિસ્તારોમાં સરકારી જગ્યાઓ ઉપર રેતીના ઢગલા જોવા મળે છે.
જો કલેક્ટર કાર્યવાહી કરી શકતા હોય તો ભૂસ્તર શાસ્ત્રી કચેરી કેમ નહીં ?
થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગેરકાયદે રેતીના પ્લોટ ઉપર વિઝિટ કરાઇ હતી. અને કાયદેસરની કાર્યવાહી કરીને દંડનીય પગલાં ભરાયા હતા. જ્યારે છોટાઉદેપુર નગરના સામા કિનારે પણ આ રીતે તપાસ કરાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગેરકાયદે ચાલતી પ્રવૃતિ સામે ભારે આક્રમક અને કડક પગલાં ભરી રહ્યા છે. ગેરકાયદે ધંધાઓ અટકાવવા માટે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે. જો રેતીના પ્લોટ ઉપર જઈને કલેક્ટર અચાનક છાપો મારી પગલા ભરી શકતા હોય તો આ રેતી ખનન બાબતે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના અમલદારો કેમ ચુપ છે તેવા સવાલ ઉઠયાં છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો