છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અંતરિયાળ વિસ્તારમાં 8 વર્ષથી કાચા ઝૂંપડામાં શાળા ચાલે છે. જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે.
ક્વાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનુકલા ફ્ળિયામાં વર્ષ 2018માં 1થી 5 ધોરણની પ્રાથમિક શાળા શરૂ કરાઇ હતી. ત્યારે ગામના એક વ્યક્તિએ તેનું કાચું ઝૂંપડું બાળકોના અભ્યાસ માટે આપ્યું હતું. ત્યારે શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 50ને પાર પહોંચી હતી. પરંતુ તંત્ર દ્વારા 8 વર્ષનો સમય વીતવા છતાં શાળાના પાકા મકાન માટે કોઈ વ્યવસ્થા ન કરાતા બાળકોને અવાર નવાર મુશ્કેલી પડતી હોવાથી બાળકોએ શાળા છોડી દીધી અથવા ભણવાનું છોડી દીધું છે. શાળામાં હાલ 20 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાનું પાકું મકાન ન હોવાને કારણે બાળકોના અભ્યાસ પર તેની અસર જોવા મળે છે. જેથી સ્થાનિક લોકો શાળાનું પાકું મકાન બને તેવી માંગ કરે છે. 8 વર્ષથી શાળા ચાલે છે. છતાં તંત્ર દ્વારા શાળાના મકાન માટે કોઈ પ્રયત્નો કરાયા હોય તેમ જણાતું નથી. જયારે મીડિયાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ મામલે પૂછતા તેઓએ શાળાનું મકાન મેળવવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. તેનો મતલબ કે, અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી. જેનો ભોગ શાળાના બાળકો બની રહ્યાં છે. આંબા ડુંગર ગામનું માનુકલા ફ્ળિયું ખૂબ દુર્ગમ વિસ્તારમાં આવેલું છે. હાફેશ્વર ડામર રોડથી 6 કિલોમીટર કાચા અને પથરાળ રસ્તા પરથી પસાર થઈને માનુકલા ફ્ળિયા પહોંચાય છે. આ રસ્તામાં 3 જેટલા કોતર પણ આવે છે. જેમાં ચોમાસામાં ભારે પૂર આવે છે. તેવા સમયે શિક્ષક શાળાએ જઈ શકતા નથી. અને સમગ્ર વર્ષ દરમિયાન પણ અવર જવર દુર્ગમ વિસ્તાર હોવાથી મહિલા શિક્ષક માટે ખૂબ વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે.ધો.1થી 5ની પ્રાથમિક શાળામાં 2 શિક્ષકનું મહેકમ છે. એક શિક્ષકની બદલી થવાથી એક જ મહિલા શિક્ષક ફ્રજ બજાવે છે.
