છોટાઉદેપુરના પીઢ આદિવાસી નેતા, પૂર્વ વનમંત્રી અને ગુજરાતના સૌથી અનુભવી ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે તેઓના નિવાસસ્થાન ઉમરવા ખાતે નિધન થતાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લો, આદિવાસી સમાજ અને રાજ્યના રાજકીય શોકની લાગણી પ્રસરી છે.

તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. અને સારવાર હેઠળ હતા. તેમના નિધન સાથે દાયકાઓ સુધી પ્રજાની સેવા કરનાર એક અનુભવી, લોકપ્રિય અને જનઆધાર ધરાવતા નેતાનો અંત આવ્યો છે. મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. શરૂઆતથી જ તેમણે આદિવાસી સમાજ, ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી. તેમના સરળ સ્વભાવ, લોકો સાથેના સીધા સંપર્ક અને વિકાસલક્ષી અભિગમને કારણે તેઓ સતત પ્રજાના વિશ્વાસપાત્ર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 11માંથી 10 વિધાનસભા ચૂંટણી જીતવાનો અનોખો રેકોર્ડ ધરાવતા હતા. વર્ષ 2002માં તેમને એકમાત્ર ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. 1975માં પહેલીવાર પાવી-જેતપુર બેઠક પર વિજય મેળવી વન-મત્સ્યઉદ્યોગ મંત્રી બન્યાં હતા.