નસવાડી નગરમાં પ્રથમ વખત નવનંદ ગ્રામ કૃષિ સમુદાય અને ધર્મપ્રેમી જનતાના ઉપક્રમે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રથમવાર આયોજન કરાયું હતું. જેને લઈને નગરમાં ઉત્સવમય વાતાવરણ હતું.

રથયાત્રાનો પ્રારંભ બપોરે 3 વાગ્યે મહાઆરતી સાથે થયો હતો. ત્યારબાદ 3.15 વાગ્યે પહિંદવિધિ પૂર્ણ કરી 3.20 વાગ્યે જય અંબે ટ્રેડર્સથી ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને સુશોભિત રથમાં બિરાજમાન કરીને ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરી હતી. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, ભજન-કીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા આગળ વધી હતી. રથયાત્રા સાગર ગેરેજ રોડ, શ્રીજી ફ્ર્નિચર,SBI, શિવમ તબલા સ્ટોર, જલારામ કિરણા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સાંજે અંદાજે 6:30 વાગ્યે બાપા સીતારામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન જશુભાઈ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોલંકી, પૂર્વ મહામંત્રી ડી. એફ્. પરમાર, ચેતન મેવાસી, જિલ્લા આદિવાસી મોરચા મંત્રી મહેશ ભીલ સહિત અનેક આગેવાનો સહિત તાલુકામાંથી ઉમટેલા હજારો ભક્તજનોએ ભગવાનના રથને ખેંચી શ્રાદ્ધા અને ભક્તિનો લાભ લીધો હતો. નગરના વિવિધ સમાજો, વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્થળે સ્થળે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભાવિકો માટે પાણી, શરબત અને મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઇ હતી. રથયાત્રા દરમિયાન નસવાડી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો.