નસવાડી : શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહી, પરંતુ જીવનનું ઘડતર કરનાર સાચા માર્ગદર્શક હોય છે. આ વાતને સાકાર કરતાં નસવાડી તાલુકાની વંકલા પ્રાથમિક શાળામાં 10 વર્ષથી નિષ્ઠા, પ્રામાણિકતા અને સંપૂર્ણ સમર્પણ સાથે સેવા બજાવનાર કર્મનિષ્ઠ શિક્ષક હસમુખપુરી ભરતપુરી ગોસાઈની બદલી નિમિત્તે યોજાયેલા વિદાય સમારંભે સમગ્ર શાળા પરિવાર અને ગામમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો.

દસ વર્ષમાં ગોસાઈએ માત્ર પાઠયપુસ્તકોનું જ જ્ઞાન આપ્યું નહોતું. પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત, સમયપાલન, માનવતા અને જીવનમૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમનો સરળ, વિનમ્ર અને સૌને સાથે લઈને ચાલવાનો સ્વભાવ તેમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં ખૂબ જ લોકપ્રિય બનાવતો હતો. શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનો સતત પ્રયાસ શાળાની આગવી ઓળખ બન્યો હતો.