છોટાઉદેપુર નગરના સરદાર બાગમાં નગરપાલિકા દ્વારા આયોજિત ગૌરીવ્રતની ઉજવણીમાં સમગ્ર નગરની દીકરીઓ તથા બહેનો ઉત્સાહ સાથે ભાગ લે છે. વર્ષોથી નગરપાલિકા દ્વારા ગૌરી વ્રત મહોત્સવ યોજાય છે. જેમાં તમામ કોમની દીકરીઓ માટે પાંચ દિવસના ઉત્સવ દરમિયાન મહેંદી હરીફાઈ, આરતી સુશોભન, ફ્રુટ ડેકોરેશન, વેજીટેબલ ડેકોરેશન, સંગીત ખુરશી, કેશ ગુંથણ, પઝલ ગેમ, ભજન, ફેશન-શો, ગ્રૂપ ગરબા સહિત અનેક હરીફાઈઓનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં ધો. 5થી 12ની બાળાઓ ભાગ લે છે. જ્યારે ગરબા હરીફાઈ તમામ બહેનો માટે યોજાશે. સમગ્ર નગરની સામાજિક શૈક્ષણિક આગેવાન બહેનોને દરરોજ મહેમાન તરીકે તથા જજને આમંત્રિત કરાય છે. દરરોજ મહેમાનોનું સ્વાગત, સિનિયર સિટીઝનનું સ્વાગત ઉપરાંત અંતિમ દિવસે 70 વર્ષ ઉપરાંતની સિનિયર સિટીઝન બહેનોનું શાલ ઓઢાવીને સન્માન કરાય છે. સમગ્ર ગૌરીવ્રત દરમિયાન નગરના તમામ બગીચામાં નગરની દીકરીઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને મુખ્ય આયોજન જ્યાં છે એ સરદાર બાગમાં પાંચ દિવસના ઉત્સવ દરમિયાન 5000 ઉપરાંત દીકરીઓ તથા બહેનો આવે છે. આ પાંચ દિવસ દરમિયાન છોટાઉદેપુરના નગરના દાતા પરિવાર સ્વ. ડૉ. કનુભાઈ શાહના ધર્મપત્ની તરલિકાબેન શાહ પરિવારના છોટાઉદેપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ તરફ્થી 1200 ઉપરાંત વિવિધ નાની મોટી આકર્ષક ગીફ્ટ્સનું વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત 1300 જેટલી 2 વર્ષથી 15 વર્ષની દીકરીઓ માટેના કપડાનું વિતરણ પણ કરાયું હતું. જેમાં નગરમાંથી આવતી તમામ દીકરીઓ કે, જેઓ સ્પર્ધામાં ભાગ લે કે ના લે બધાને કપડાનું વિતરણ કરાયું હતું. નગરપાલિકા દ્વારા ગૌરીવ્રત મહોત્સવમાં ચીફ્ ઓફ્સિર ભાવિન બરજોડ, નગરપાલિકાની મહિલા સભ્યો, નગર પાલિકા સ્ટાફ્, એસ એફ્ હાઈસ્કૂલની શિક્ષિકા બહેનો, નગરપાલિકાના સત્તાધીશો તથા નામી અનામી નગરજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
