છોટાઉદેપુર જિલ્લાના વાસણા (કોષિન્દ્રા) ગામે આવેલા શ્રી આનંદવર્ધન આશ્રામના ઉઘ્દાટન પ્રસંગે 25 આદિવાસી અને વનવાસી ભાઈ-બહેનોએ સ્વેચ્છાએ સનાતન હિંદુ ધર્મ અપનાવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
શ્રી આનંદવર્ધન આશ્રામનું ઉઘ્દાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ગંગાજળ ગ્રહણ કરી અને ભગવાન શ્રીરામનો મંત્ર સ્વીકારી સનાતન હિંદુ ધર્મનું અનુસરણ કરવાનો સંકલ્પ કર્યો હોવાનું જણાવાયું છે. ઉપસ્થિત લોકોએ હિંદુ ધર્મના પાલનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં સ્વધર્માનયન યાત્રા કરી રહ્યા છે. વાસણા ગામમાં દ્વારકા શારદાપીઠ સંચાલિત આનંદવર્ધન આશ્રામની સ્થાપનાથી આ અભિયાનને વધુ મજબૂતી મળશે. તેમણે જણાવ્યું કે હવે ગામે-ગામ જઈ લોકોને પોતાના ધર્મના પાલન અંગે જાગૃત કરવામાં આવશે અને ધર્માચારનું માર્ગદર્શન આપવામાં આવશે.
