નસવાડી તાલુકાના નવગામ પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની રિંકલબેન નવીન રાઠવાએ વડોદરા ખાતે યોજાયેલી યંગ ટેલેન્ટ ટેસ્ટ-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત DLSS (District Level Sports School) યોજના હેઠળ શ્રી છોટુભાઈ એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ, મોટા ફેફ્ળિયા (શિનોર) ખાતે પસંદગી થઈ છે.
18 માર્ચ-26ના રોજ યોજાયેલી પરીક્ષામાં નવગામ પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાંથી રિંકલ રાઠવાએ પોતાની પ્રતિભાના બળે રાજ્યકક્ષાએ સ્થાન મેળવી સમગ્ર નસવાડી તાલુકા અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. DLSS યોજનાની મુખ્ય સુવિધામાં રિંકલ રાઠવાની વાર્ષિક રૂા. 2.50લાખ સુધીની ખાનગી શાળાની ફરી સરકાર દ્વારા ભરપાઈ થશે, પાઠયપુસ્તકો, ગણવેશ, દફ્તર, રમતગમતની કિટ વિનામૂલ્યે મળશે, હોસ્ટેલ અને પૌષ્ટિક ભોજનની સંપૂર્ણ સુવિધા મળશે, નિષ્ણાંત કોચ દ્વારા આધુનિક રમતગમત તાલીમ આપશે, સ્પર્ધાઓ માટેACસેકન્ડ ક્લાસ રેલવે મુસાફરી ખર્ચ. દર મહિને રૂા. 2,500નું સ્ટાઇપેન્ડ. રૂા. 2.50 લાખ સુધીનું મેડિક્લેમ કવર મળશે. ગુજરાતમાં માત્ર 40 DLSS સ્પોટ્ર્સ સ્કૂલો કાર્યરત છે. જ્યાં રમતગમત અને શિક્ષણનું શ્રોષ્ઠ સંકલન કરીને ભવિષ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તૈયાર કરાય છે. રિંકલ રાઠવાની આ સિદ્ધિ બદલ નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ, નવગામના સરપંચ અને ગ્રામજનો, તાલુકા શિક્ષણ અધિકારી (TEO), નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપરમુખ સુરેશ પંચોલી સહિત હોદ્દેદારો તેમજ શિક્ષણજગતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.
