અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત વર્લ્ડ આર્ચરી સિરીઝ સ્પર્ધાના આયોજન માટે ભારતીય તીરંદાજી સંઘ અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરાયા છે. આ કરાર સાથે ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કરાર હસ્તાક્ષર પ્રસંગે ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા તેમજ ગુજરાત સરકારના રમતગમત મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.


અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ભારતના તીરંદાજી ખેલને નવી ઊંચાઈ પર પહોંચાડશે. વિશ્વભરના ખેલાડીઓને શ્રોષ્ઠ મંચ પ્રદાન કરશે. તેમણે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતી સુવિધા અને સહયોગની પ્રશંસા પણ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રમતગમતના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. વર્લ્ડ આર્ચરી સિરીઝ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આયોજનથી ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત ઓળખ મળશે.

જે પ્રસંગે ગુજરાતના આર્ચરી ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિ સંદીપ જયસ્વાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. નસવાડી તાલુકાના કડુલીમહુડી ગામના યુવા તીરંદાજ સંદીપ જયસ્વાલ આગામી વર્લ્ડ આર્ચરી સિરીઝ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી વિસ્તારના રમતપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.

આ સ્પર્ધા રાજ્યના યુવા ખેલાડી માટે આં.રા.સ્તરે પ્રતિભા દર્શાવવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે. અમદાવાદ ખાતે વર્લ્ડ આર્ચરી સિરીઝ સ્પર્ધામાં વિશ્વના અનેક દેશોના અગ્રણી તીરંદાજ ભાગ લેશે. આ સ્પર્ધાથી ગુજરાતમાં રમતગમત તેમજ રમતગમત પ્રવાસનને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: