તા. 2-7-26ના રોજ જીએસએફ્સી, વડોદરા ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રીજીયનલ કોન્ફ્રન્સ અંતર્ગત યોજાયેલા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેયરની મુલાકાત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, છોટાઉદેપુર તથા મામલતદાર કચેરી, નસવાડીના સૌજન્યથી સરકારી બી.એડ. કોલેજ, નસવાડીના સેમેસ્ટર-3ના તાલીમાર્થી અને સ્ટાફ્ દ્વારા લેવાઇ હતી. જેનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને ઉદ્યોગ, નવાચાર, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે વ્યવહારુ સમજણ આપવાનો હતો. ટ્રેડ ફેયરમાં દેશ-વિદેશની વિવિધ કંપનીઓ, ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકારી વિભાગોના સ્ટોલની મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ આધુનિક ટેક્નોલોજી, નવીન ઉત્પાદનો, ઉદ્યોગ વિકાસની તકો તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ વિવિધ પહેલો વિશે ઉપયોગી માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ (SSIP) અંગે વિશેષ માહિતી મેળવીહતી. નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને નવાચાર આધારિત વિચારોને સ્ટાર્ટઅપમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય, સરકાર દ્વારા મળતી સહાય, માર્ગદર્શન, નાણાકીય સહયોગ તેમજ ઇનોવેશનને પ્રોત્સાહન આપતી વિવિધ યોજના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ માહિતી વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થઈ. સરકારી બી.એડ. કોલેજ, નસવાડીના તાલીમાર્થીઓએ વિવિધ પ્રદર્શનોનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. અને ઉદ્યોગ જગતમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનો વિશે જાણકારી મેળવી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સંશોધનવૃત્તિ, ઉદ્યોગસાહસિકતા અને આત્મવિશ્વાસનો વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો