ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણના ભાગરૂપે વર્ષ-2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધી 100 ટકા કુલ નોંધણી ગુણોત્તર (GER) પ્રાપ્ત કરવાના ઉમદા લક્ષ્યાંક સાથે બાળકોને શાળામાં પાછા લાવીએ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.


જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર (ડ્રોપ આઉટ) બાળકોને ફ્રીથી શૈક્ષણિક પ્રવાહમાં સામેલ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે મોડેલ ડે સ્કૂલ, મોટી સઢલી ખાતેથી જિલ્લા કલેકટર ગાર્ગી જૈને શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર બાળકો અને તેમના વાલીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેકટરે આ બાળકોને હૂંફ્ આપી પુનઃ શિક્ષણ સાથે સાંકળ્યા હતા.

શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શિક્ષણનું સાચું મહત્વ સમજાવતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, દરેક બાળકે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનિવાર્યપણે પૂર્ણ કરવું જોઈએ. ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે, ધો.10 પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીએ ધો.11માં અભ્યાસ કરવો જોઈએ. અથવા તો ITI જેવા સ્કીલ ડેવલપમેન્ટના રોજગારલક્ષી કોર્ષ તરફ્ આગળ વધવું જોઈએ. આ ઉપરાંત, ધો.10માં અનુત્તીર્ણ (નાપાસ) થયેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા વગર પૂરક પરીક્ષા આપીનેપુનઃ ધો.11માં અભ્યાસ ચાલુ રાખે તે માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને શાળામાં પાછા લાવીએ અભિયાન અંતર્ગત કલેકટરે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના આવા તમામ વિદ્યાર્થીઓનો પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ ધો. 10ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તમામ જરૂરી વ્યવસ્થાઓ અને માર્ગદર્શન મળી રહે તેવી સચોટ વ્યવસ્થા ગોઠવવા પણ તેઓએ તાકીદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, મામલતદાર છોટાઉદેપુર ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: