નસવાડી તાલુકાના કુકરદા ગામે દિવાસાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. આશરે 6 હજારની વસતી ધરાવતા કુકરદા ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની રૂઢિ-પરંપરા મુજબ ગામની 7 દેવીની પૂજા-અર્ચના કરી હતી. સવારથી જ ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો. અને મોટી સંખ્યામાં ગ્રામજનો પરંપરાગત રીતિ-રિવાજ સાથે પૂજામાં જોડાયા હતા.
દિવાસા પર્વ નિમિત્તે ગામદેવી વેરાઈ માતા સહિત સાત દેવીઓની પરંપરાગત વિધિ-વિધાન સાથે પૂજા કરાઇ હતી. ગ્રામજનો દ્વારા દેવી-દેવતાઓને શ્રાદ્ધાપૂર્વક પૂજા અર્પણ કરી ગામમાં સુખ-શાંતિ જળવાઈ રહે, લોકો સ્વસ્થ રહે, ખેતીમાં સારો પાક આવે અને સમગ્ર ગામમાં સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરાઇ હતી. આદિવાસી સમાજમાં ગામદેવીની પૂજાને વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્વ છે. વર્ષોથી ચાલતી માન્યતા મુજબ, ગામની રક્ષા, કુદરતી આફ્તો અને રોગચાળાથી બચાવ તથા ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે દિવાસાના પર્વે ગામદેવીની પૂજા કરે છે. 7 દેવી પ્રત્યે શ્રાદ્ધા વ્યક્ત કરીને ગ્રામજનો પોતાના પરિવાર અને સમગ્ર ગામના કલ્યાણની કામના કરે છે. આ પૂજા માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી પરંપરાનું પ્રતીક પણ છે. દિવાસાના પર્વે ગામના લોકો એકત્ર થઈ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખે છે. કુકરદા ગામે પણ આ પવિત્ર પ્રસંગે નાના-મોટા સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
