જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ સશક્ત દીકરી, કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત મણિબેન પટેલ કન્યા વિદ્યાલય છોટાઉદેપુર ખાતે કિશોરીઓમાં અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શાળાની દીકરીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન સાથે સંવાદ સાંધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
જેમાં કલેક્ટરે પોતાના વિદ્યાર્થીકાળના સંઘર્ષો, અનુભવો અને કારકિર્દીના સફર વિશે જણાવ્યું હતું. દીકરીઓને પોતાના સપનાઓ અને લક્ષ્યોને ઓળખી ચોક્કસ દિશામાં મહેનત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડયું હતું. કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓનું આત્મગૌરવ જગાડતા તેમના રોજિંદા જીવનમાં પ્રેરણાદાયી વાક્યોનું નિયમિત ઉચ્ચારણ કરી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કલેક્ટર દ્વારા પર્યાવરણ અને શિક્ષણના સમન્વય સમાન હાજર તમામ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહક ભેટ સ્વરૂપે પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું હતું.
